અમેરિકા, યુકેમાં વ્યાજદરમાં 0.25 ટકા ઘટાડો
અમેરિકા, યુકેમાં વ્યાજદરમાં 0.25 ટકા ઘટાડો
Blog Article
અમેરિકાની ફેડરલ રિઝર્વે ગુરુવાર, 7 નવેમ્બરે વ્યાજદરમાં 0.5 ટકાનો ઘટાડો કર્યો હતો. બીજી તરફ યુકેમાં નવી સરકારના પ્રથમ બજેટ પછી બેન્ક ઓફ ઇંગ્લેન્ડે 2020 પછી વ્યાજદરમાં બીજી વખત ઘટાડો કર્યો હતો અને વ્યાજદરમાં તબક્કાવાર ધોરણે ઘટાડો ચાલુ રાખવાનો સંકેત આપ્યો હતો. બેન્ક ઓફ ઇંગ્લેન્ડની મોનેટરી પોલિસી કમિટીએ 8-1ની બહુમતી વ્યાજ દરો 5%થી ઘટાડીને 4.75% કરવાનો નિર્ણય કર્યો હતો.
BoE ગવર્નર એન્ડ્રુ બેઇલીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમારે સુનિશ્ચિત કરવાની જરૂર છે કે ફુગાવો અમારા ટાર્ગેટની નજીક રહે. ફુગાવાને કારણે અમે વ્યાજ દરોમાં ખૂબ ઝડપથી અથવા વધુ મોટો ઘટાડો કરી શકીએ નહીં. પરંતુ જો અમારી ધારણા મુજબ આર્થિક વૃદ્ધિ જોવા મળશે તો તો સંભવ છે કે અહીંથી વ્યાજ દરો ધીમે ધીમે ઘટતા રહેશે. સપ્ટેમ્બરની બેઠક પછી પણ તેમણે લગભગ આવું જ નિવેદન આપ્યું હતું.
BoEના અંદાજ મુજબ ટેક્સ, ખર્ચ અને ઋણમાં મોટો વધારો કરતું નાણાપ્રધાન રશેલ રીવ્સના બજેટથી આગામી વર્ષે બ્રિટનના અર્થતંત્રના કદમાં લગભગ 0.75% વધારો થશે, પરંતુ તેનાથી બે કે ત્રણ વર્ષમાં વાર્ષિક વૃદ્ધિ દરમાં ભાગ્યે જ સુધારો થશે.
અમેરિકાની ફેડની ફેડરલ ઓપન માર્કેટ કમિટી (FOMC)એ બે દિવસની બેઠક પછી સર્વસંમતિથી બેન્ચમાર્ક વ્યાજ દર 0.25 ટકા ઘટાડીને 4.50- 4.75 ટકાની રેન્જમાં લાવવાનો નિર્ણય કર્યો હતો. ફેડના અધ્યક્ષ જેરોમ પોવેલે જણાવ્યું હતું કે પ્રેસિડન્ટની ચૂંટણીના પરિણામોની યુએસની નાણાકીય નીતિ પર કોઈ નજીકના ગાળામાં કોઇ અસર થશે નહીં. ફેડ વ્યાજ દરો અંગે નિર્ણય કરતી વખતે ડેટાનું મૂલ્યાંકન કરવાનું ચાલુ રાખશે. ફુગાવામાં છેલ્લા એક વર્ષમાં મોટો ઘટાડો થયો છે અને તે હાલમાં યુએસ સેન્ટ્રલ બેંકના 2% ટાર્ગેટની નજીક છે.પરંતુ નવી સરકારની દરખાસ્તો આકાર લેતી વખતે સેન્ટ્રલ બેન્ક તેના ફુગાવો અને મહત્તમ રોજગાર પરની અસરનો અંદાજ લગાવવાનું શરૂ કરશે.
સપ્ટેમ્બરની બેઠકમાં યુએસ ફેડએ બેન્ચમાર્ક વ્યાજ દરમાં 0.50 ટકાનો ઘટાડો કર્યો હતો. તે ચાર વર્ષમાં પ્રથમ ઘટાડો હતો. ફેડના નીતિનિર્ધારિકો માને છે કે ચાલુ વર્ષના અંત સુધીમાં બેન્ચમાર્ક વ્યાજદરમાં વધુ 0.50 ટકાનો ઘટાડો થઈ છે. આ ઉપરાંત 2025માં વધુ 0.50 ટકાનો ઘટાડો થઈ શકે છે.